Sakshiyoga

સાક્ષીયોગ

                       સાક્ષી શું છે તમે કોણ છો સાક્ષ્યકલા -સાક્ષી હોવાની કળા
                                       સ્વયંને પ્રેમ કરો સ્વયંતા એ જ સાક્ષાત્કાર

જીવન અને તેના પડકારોનો સામનો કરવા માટે ઘણાં વિચારો અને વિધિઓ  દીર્ઘકાળથી અસ્તિત્વમાં છે. સાથોસાથ દરેક  યુગમાં જીવનના પરમ ઉદ્દેશ્ય  વિષે પણ વૈવિધ્યપૂર્ણ વિચારધારાઓ પ્રવર્તિત થતી રહેતી હોય છે.

એમાંનાં મોટા ભાગે કાંઈ ને કાંઈ કરવા પર ભાર મૂકે છે.

જો તમે કંઈ ન કરી રહ્યા હો, તો તમને એવું લાગે છે કે જાણે તમારું કોઈ અસ્તિત્વ જ નથી.

તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવવા માટે તમને લાગે છે કે તમારે કંઈક તો  કરવું જ જોઈએ.

તમને લાગે છે કે સામે આવેલી કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ તમે કાંઈક કર્યા વિના અને કાંઈક કરવાનું વિચાર્યા વગર લાવી શકો નહીં .

શારીરિક અથવા માનસિક રીતે કંઈક કરવું તે તમારી પ્રકૃતિ છે.

જ્યારે તમે માની લો છો કે તમારું અસ્તિત્વ આ મનુષ્યજીવનની જેમ ક્ષણિક છે, ત્યારે તમારો અહંકાર આ પૃથ્વી પર તમારા અસ્તિત્વના પગલાંની છાપ મૂકી જવા માટે ઊભો થાય છે. અથવા તો એ એમ માને છે કે એ એવું કરી શકશે.

કંઈક કરવાથી તમારું અસ્તિત્વ, તમારી ઉપસ્થિતિ, તમારી યોગ્યતા અને તમારા મહત્ત્વ વિશે તમારો અહંકાર આશ્વસ્ત થઇ જાય છે.

દુનિયા તમને ભૂલી જાય એ તમને ગમતું નથી તેથી તમે ભૌતિક અથવા આધ્યાત્મિક સિદ્ધિઓ હાંસલ કરવા માટે જાન લગાવી દો  છો.

કંઈક કરવાનું નામ જ  અહંકાર છે.

તમે જે છો તેની અનુભૂતિ જ મુક્તિ છે.

કંઈક કરવું એ સાંસારિક વિકાર છે.

હોવું, સ્વયંતા, એટલે આ અસીમ અસ્તિત્વ સાથે યુતિ.

કંઈક કરવાનું નામ જ વિભાજન છે.

સ્વયંતા, હોવું, એ જ પૂર્ણતા છે.

સાક્ષી બનો, સાથી નહિ.

અવલોકન કરો, ભળી જાઓ નહીં.

 

તમે કોઈ પણ કાર્ય કરો છો તે પહેલાં તમે એને મૂલવો છો.

તમારું આ કાઝીપણું અહંકારની ઉપજ છે.

મૂલ્યાંકનમાં  હંમેશા તમારી સંસ્કૃતિ, માન્યતા, શિક્ષણ, વિચારો અને તમારા ઝુકાવની અસર હોય છે.

મૂલવણીમાં તમારી મેળવણીના રંગો ભળે છે.

કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કે કોઈ પણ વિચારનો પક્ષ લેતાં પહેલાં તમે એનું વિશ્લેષણ કરો છો.

વિશ્લેષણમાત્ર  અપૂર્ણ છે.

કોઈનું પણ વિશ્લેષણ કરીને, મૂલ્યાંકન કરીને, નિર્ણય બાંધવાથી કે એને ચાળવા-ગાળવાથી કાં તો તમે એનો સ્વીકાર કરશો કે ત્યાગ કરશો.

ચાળવાનું મૂકી દો.

બધું જ અખંડરૂપથી વહેવા દો.

કેવળ નિરીક્ષણ કરો.

ફક્ત  સાક્ષી બની રહો.

તમે જે છો અને જેવા છો એમાં ન તો કંઈ ઉમેરો, કે ન તો તેમાંથી કંઇ પણ દૂર કરો.

બસ, ફક્ત સ્વયંને, તમારાં કાર્યોને અને વિચારોને  જેવાં છે એમ જ  જુઓ.

જો તમે દખલગીરી  નહીં કરો તો તમે, તમારા વિચારો, તમારું કાર્ય અને આ સમગ્ર અસ્તિત્વ એકરૂપ થઈ જશે .

કેવળ અવલોકન કરો.

સ્વીકારીને અથવા ત્યાગ કરીને કંઈપણ કરવું એ દાસત્વ, ગુલામી છે.

સ્વયંતા જ,  હોવું જ,  મુક્તિ છે.

આ જ વાસ્તવિક સ્વતંત્રતા, અખંડ એકતા અને સમસ્ત પૂર્ણતાની સ્થિતિ છે.

 

દુનિયામાં બધું બદલાતું રહે છે.

સિદ્ધાંતો બદલાય છે.

વિચારધારાઓ બદલાય છે.

સારા અને ખરાબ, મંગળ અને અમંગળ, પાપ અને પુણ્યની પરિભાષાઓ બદલાય છે.

એ બધું તમારા ખ્યાલો અને તમારી પ્રાથમિકતા અનુસાર બદલાતાં રહે છે.

એટલે સુધી કે એક  જ યુગમાં, કોઈ વ્યક્તિ માટે જે સારું, નૈતિક અને પવિત્ર છે, તે જ બીજા માટે ખરાબ, અનૈતિક અને પાપ હોઈ શકે છે.

આ બધા તફાવતો અહંકારનાં અંકુર છે.

અહંકાર અજ્ઞાનમાંથી ઊગે છે.

બધું બદલાય છે પરંતુ તમારું સત્યસ્વરૂપ, “સ્વયં તમે”, હંમેશાં અપરિવર્તનીય છે. આ વાસ્તવિકતાને ન જાણવી  તેનું નામ જ અજ્ઞાન છે.

અસલી  “તમે”  કોઈપણ પરિવર્તનમાં સામેલ નથી હોતા.

તે અનાસક્ત રહે છે કારણ કે અસલી “તમે” હંમેશાં સર્વના માત્ર સાક્ષી બની રહે છે.

જયારે તમે અસ્તિત્વના સાક્ષી હોવ છો  ત્યારે તમે અસ્તિત્વની સાથે, વાસ્તવિક ‘સ્વયં’ની સાથે, સમરસ થઈ જાઓ છો.

બધી ઘટનાઓ ફક્ત એક રમત છે. એક ભ્રમ, કે જે તમારી અનુપસ્થિતિના ખયાલથી ઉત્પન્ન થયો છે.

એક માત્ર માર્ગ છે  સ્વયંતા, તમારું હોવું.

એકમાત્ર માર્ગ છે સાક્ષી હોવું.

એકમાત્ર માર્ગ છે કોઈ પણ માર્ગ પસંદ ન કરવો.

એકમાત્ર માર્ગ છે કોઈ પંથ પર કે અનેક પંથ પર ન ચાલવું.

એકમાત્ર માર્ગ છે કે કાંઈ પણ ન કરો, કેવળ સ્વયંમાં જ સ્થિત રહો.

ફક્ત સાક્ષી રહો.

                     સાક્ષી શું છે  તમે કોણ છો  સાક્ષ્યકલા -સાક્ષી હોવાની કળા

સ્વયંને પ્રેમ કરો  સ્વયંતા એ જ સાક્ષાત્કાર